Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 8 >> 

1સુલેમાનને ઈશ્વરનું ભક્તિસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,

2રાજા હિરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.

3સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.

4તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.

5વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.

6તેણે બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.

7હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિનઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,

8તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો - તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.

9પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.

10લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.

11સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, "ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે."

12ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.

13રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીર રોટલીના પર્વમાં, સપ્તાહોના પર્વમાં, અને માંડવાઓના પર્વમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.

14દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી.

15આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.

16હવે ઈશ્વરના ભક્તિસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના ભક્તિસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.

17પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.

18હિરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 8 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran