Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 28 >> 

1આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહિ.

2પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો; તેણે બાલીમની ઢાળેલી મૂર્તિઓ બનાવી અને તેની પૂજા કરી.

3આ ઉપરાંત, જે વિદેશીઓને ઈશ્વરે ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યાં હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાનાં બાળકોનો અગ્નિમાં હોમ કરતો.

4પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં, પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચઢાવતો અને ધૂપ બાળતો.

5આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો.

6રમાલ્યાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક જ દિવસમાં એક લાખ વીસ હજાર શૂરવીર યોદ્ધાઓને મારી નાખ્યા. કારણ કે તેઓએ તેમના પિતૃઓના ઈશ્વરને તજી દીધા હતા.

7એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના પુત્ર માસેનાને અને રાજમહેલના કારભારી હાઝ્ઝીકામ તેમ જ રાજાથી થોડા નીચા દરજજાના એલ્કાનાને મારી નાખ્યા.

8ઇઝરાયલીઓના સૈનિકોએ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને બાળકો મળીને બે લાખને પકડ્યા અને પુષ્કળ લૂંટ મેળવીને તેઓ સમરુનમાં પાછા આવ્યા.

9પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, "યહોવા તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.

10અને હવે તમે યહૂદિયા અને યરુશાલેમનાં સ્ત્રીપુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી?

11હવે પછી મારું કહેવું સાંભળો, આ તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેઓને મુક્ત કરો અને ઘરે પાછા મોકલી દો. કેમ કે ઈશ્વરનો ઉગ્ર કોપ તમારા ઉપર છે."

12ત્યાર બાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા અને હાલદાઈનો પુત્ર, અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા.

13તેઓએ તેઓને કહ્યું, "તમે આ કેદીઓને અહીં લાવશો નહિ. કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે."

14તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધાં.

15પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.

16તે વખતે રાજા આહાઝે આશૂરના રાજાને પોતાની સહાય માટે સંદેશ મોકલાવ્યો.

17કેમ કે, અદોમીઓ ફરી એકવાર યહૂદિયા પર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.

18પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમ જ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુ ગામડાંઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો કબજે કર્યાં અને તેમાં વસવાટ કર્યો.

19ઇઝરાયલના રાજા આહાઝને લીધે ઈશ્વરે યહૂદિયાને નમાવ્યું. કેમ કે તે રાજા યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં.

20આશૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.

21આહાઝે ભક્તિસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ.

22અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુ અને વધુ પાપ કરતો ગયો.

23દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, "કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે." પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.

24આહાઝે ઈશ્વરના ભક્તિસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડેટુકડાં કરી નાખ્યા. તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના બારણાં બંધ કરીને યરુશાલેમમાં ખૂણેખાંચરે બીજા દેવોની વેદી બનાવી.

25યહૂદિયાના એકે એક નગરમાં દેવોની આગળ ધૂપ બાળવા ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વરનો રોષ વહોરી લીધો.

26હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે.

27આહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરુશાલેમમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 28 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran