Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 21 >> 

1યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો.

2યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા.

3તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો પણ આપ્યાં. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જયેષ્ઠ પુત્ર હતો.

4હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તરવારથી મારી નાખ્યા.

5જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું.

6જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો; તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું; અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું.

7તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો.

8યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો.

9પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.

10તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો.

11આ ઉપરાંત યહોરામે યહૂદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યાં; તેણે યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહૂદિયાના લોકોને ગેર માર્ગે દોર્યા.

12એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે, "તારા પિતા દાઉદના પ્રભુ, ઈશ્વર કહે છે: તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,

13ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે.

14તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારા સર્વસ્વને ભયંકર નુકસાન પહોંચાડશે.

15તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે."

16ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.

17તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.

18આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો.

19કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ.

20જયારે તે રાજપદે નિયુક્ત થયો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran