Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 15 >> 

1ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.

2તેથી તે આસાને મળીને બોલ્યો, "આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.

3હવે ઘણા લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.

4પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા.

5તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી, દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા.

6પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતાં હતાં, તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.

7પણ તમે બળવાન થાઓ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે."

8જયારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ દેશમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધાં હતા, તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હઠાવી દીધી. અને તેણે ઈશ્વરના ભક્તિસ્થાનના દ્વારમંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી.

9તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા.

10આસાની કારકિર્દીના પંદરમા વર્ષે ત્રીજા મહિનામાં યરુશાલેમમાં તેઓ ભેગા થયા.

11તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.

12તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો.

13નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.

14તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા.

15તે સોગનથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી સોગન ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઇચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તે તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારેતરફની શાંતિ આપી.

16આસાએ પોતાની દાદી માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કારણ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિને કાપી નાખી, તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને સળગાવી દીધી.

17જો કે ઇઝરાયલમાંથી ધર્મ સ્થાનો કાઢી નંખાયા નહિ. તોપણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું.

18તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો.

19આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran