Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Kings 13 >> 

1યહૂદિયાના રાજા અહાઝયાના દીકરા યોઆશના ત્રેવીસમા વર્ષે યેહૂના દીકરા યહોઆહાઝે સમરુનમાં ઇઝરાયલ સત્તર વર્ષ સુધી રાજ કર્યું.

2તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું અને નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા હતા તેને અનુસરવાનું ચાલુ રાખ્યું. યહોઆહાઝે આવાં કામ કરવાનું ચાલું રાખ્યું.

3તેથી યહોવાહનો કોપ ઇઝરાયલીઓ પર સળગ્યો, તેઓએ તેઓને ફરીથી અરામના રાજા હઝાએલના અને તેના દીકરા બેન-હદાદના હાથમાં સોંપી દીધા.

4માટે યહોઆહાઝે યહોવાહને પ્રાર્થના કરી અને યહોવાહે તેની પ્રાર્થના સાંભળી, કેમ કે અરામનો રાજા ઇઝરાયલના લોકો પર જુલમ કરતો હતો, તે તેમણે જોયું હતું.

5માટે યહોવાહે તેના હાથમાંથી ઇઝરાયલને એક મુક્તિ અપાવનાર આપ્યો. અને તેઓ અરામીઓના હાથમાંથી મુક્ત થયા. પછી ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાનાં ઘરોમાં રહેવા લાગ્યા.

6તેમ છતાં યરોબામના કુટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ, પણ તેઓ તે પાપમાં જ ચાલ્યા. સમરુનમાં અશેરાની મૂર્તિ પણ હતી.

7અરામીઓએ યહોઆહાઝ પાસે પચાસ ઘોડેસવાર, દસ રથો તથા દસ હજાર સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેઓનો નાશ કરીને ખળીના ભૂસા જેવા કરી નાખ્યા હતા.

8યહોઆહાઝના બીજાં કાર્યો અને જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

9પછી યહોઆહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેઓએ તેને સમરુનમાં દફ્નાવ્યો. પછી તેના દીકરા યોઆશે તેની જગ્યાએ રાજ કર્યું. v

10યહૂદિયાના રાજા યોઆશના સાડત્રીસમાં વર્ષે, યહોઆહાઝનો દીકરો યોઆશ સમરુનમા ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો, તેણે સોળ વર્ષ રાજ કર્યું.

11તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના પુત્ર યરોબામનાં પાપો જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તે તેણે છોડ્યું નહિ પણ તે તેમાં રચ્યોપચ્યો રહ્યો.

12યોઆશનાં બાકીનાં કાર્યો, જે સર્વ તેણે કર્યું તે, યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરીને તેણે જે પરાક્રમ બતાવ્યું, તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

13યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી યરોબામ તેના રાજયાસન પર બેઠો. યોઆશને સમરુનમાં ઇઝરાયલના રાજાઓ સાથે દફનાવવામાં આવ્યો.

14જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, "હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!"

15એલિશાએ તેને કહ્યું, "ધનુષ્ય લે. થોડાં તીર ઉઠાવ," તેથી યોઆશે ધનુષ્ય અને થોડાં તીર ઉઠાવ્યાં.

16પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, "તારો હાથ ધનુષ્ય પર મૂક." એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂકયો.

17એલિશાએ કહ્યું, "પૂર્વ તરફની બારી ઉઘાડ." તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, "તીર ચલાવ!", તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, "આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે."

18ત્યારે એલિશાએ કહ્યું, "હવે બીજાં તીર લે," એટલે યોઆશે તે લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, "તેનાથી જમીન પર માર." રાજાએ ત્રણ વાર જમીન પર માર્યું પછી તે અટકી ગયો.

19પણ ઈશ્વરભક્તે ગુસ્સે થઈને કહ્યું, "તારે જમીન પર પાંચ થી છ વાર તીર મારવાં જોઈએ. જો તેં એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેઓ પર તું હુમલો કરત, પણ હવે તું અરામ પર ફક્ત ત્રણ જ વાર હુમલો કરી શકશે."

20ત્યાર બાદ એલિશાનું મરણ થયું અને તેઓએ તેને દફ્નાવ્યો. હવે વર્ષ શરૂ થતાં મોઆબીઓની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી.

21તેઓ એક માણસને દફનાવતા હતા, ત્યારે તેઓએ મોઆબીઓની ટોળી આવતી જોઈને તે મૃતદેહને એલિશાની કબરમાં ફેંકી દીધો. તે માણસનો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડકતાંની સાથે જ તે સજીવન થયો. અને ઊઠીને પોતાના પગ પર ઊભો થઈ ગયો.

22યહોઆહાઝના સર્વ દિવસોમાં અરામના રાજા હઝાએલે ઇઝરાયલ પર જુલમ કર્યો.

23પણ યહોવાહે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને લીધે તેઓના પર દયા રાખી, કૃપા કરી અને તેઓની કાળજી રાખી. માટે યહોવાહે તેઓનો નાશ કર્યો નહિ અને પોતાની હજૂરમાંથી દૂર કર્યાં નહિ.

24અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો અને તેના દીકરા બેનહદાદે તેની જગ્યાએ રાજ કર્યું.

25જે નગરો હઝાએલના દીકરા બેનહદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહોઆહાઝ પાસેથી જીતી લીધાં હતા. તે યોઆશે તેના હાથમાંથી પાછાં જીતી લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં જીતી લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Kings 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran