Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Peter 1 >> 

1આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર લખે છે:

2ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ.

3તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.

4તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.

5એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,

6જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,

7ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.

8કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃધ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.

9પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.

10તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.

11કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.

12એ માટે જો કે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.

13અને જ્યાં સુધી હું આ માંડવા (શરીર) માં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.

14કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.

15હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.

16કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.

17કેમ કે જયારે બહુ તેજસ્વી મહિમાથી તે સંબંધી એવી વાણી થઇ કે, 'એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું,' ત્યારે ઈશ્વરપિતાથી તે માન તથા મહિમા પામ્યા.

18અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે આકાશવાણી સાંભળી.

19અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.

20પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.

21કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Peter 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran