Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Corinthians 6 >> 

1અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.

2કેમ કે તે કહે છે કે, 'મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉધ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે.

3અમારી સેવાને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતા નથી;

4પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી,

5ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ઉપવાસથી,

6શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રીતિથી,

7સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણા તથા ડાબા હાથ પર ન્યાયનાં હથિયારોથી,

8માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જુઠા ગણાયેલા તો પણ સાચા;

9અજાણ્યા તો પણ નામાંકિત; મરણ નજીક તો પણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તો પણ મૃત્યુ પામેલા નહિ;

10શોકાતુરના જેવા તો પણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તો પણ ઘણાઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તો પણ સઘળાના માલિક છીએ.

11ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હદય વિશાળ છે.

12તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.

13તો એને બદલે (જેમ બાળકોને તેમ તમને કહું છું), તમે પણ હૃદયથી ઉદાર થાઓ.

14બિનવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?

15અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને બિનવિશ્વાસીની સાથે શો ભાગ હોય?

16અને ઈશ્વરના ભક્તિસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, 'હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.'

17માટે, 'તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,' એમ પ્રભુ કહે છે, 'અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,

18અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.'


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 6 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran