Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Corinthians 10 >> 

1હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું.

2જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.

3કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી;

4કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.

5અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.

6જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.

7તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.

8કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.

9હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં.

10કેમ કે તેઓ કહે છે કે, 'તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.

11તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઇશું.

12જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.

13પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું.

14કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા;

15અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે,

16કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.

17પણ 'જે કોઈ ગર્વ કરે છે તે પ્રભુમાં ગર્વ કરે.'

18કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran