Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Chronicles 15 >> 

1દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.

2પછી દાઉદે કહ્યું, "ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે."

3પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.

4દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.

5તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.

6મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.

7ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.

8અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.

9હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.

10ઉઝ્ઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમિનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.

11દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમિનાદાબ લેવીઓને બોલાવ્યા.

12તેણે તેઓને કહ્યું, "તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.

13તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ."

14તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.

15તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.

16દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.

17માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.

18તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.

19હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.

20સિતારો વગાડવા માટે ઝર્ખાયા, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.

21વીણા વગાડવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.

22લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.

23બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.

24શબાન્યા, યોશાફાટ, નાથાનિયેલ, અમાસાઈ, ઝર્ખાયા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.

25પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.

26જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.

27દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.

28તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.

29યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Chronicles 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran