Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Samuel 21 >> 

1પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, "તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?"

2દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, "રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું 'જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.' મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.

3તો હવે તારા હાથમાં શું છે? પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને આપ."

4યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું, "મારા હાથમાં એકપણ સાધારણ રોટલી નથી. પણ પવિત્ર રોટલી છે - જે જુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તેઓને જ તે અપાય."

5દાઉદે યાજકને ઉત્તર આપ્યો, "ત્રણ દિવસો દરમિયાન સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાયેલી છે. જયારે હું બહાર નીકળ્યો, ત્યારે તે મુસાફરી ફક્ત સાધારણ હતી પણ યુવાનના પાત્રો પવિત્ર રહેલાં હતા. તો આજ તેમનાં શરીરો કેટલા વિશેષ પવિત્ર હશે?"

6તેથી યાજકે તેને અર્પિત રોટલી આપી. કેમ કે ઈશ્વરની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.

7હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.

8દાઉદે અહીમેલેખને કહ્યું, "હવે તારા હાથમાં ભાલો કે તરવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તરવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી."

9યાજકે કહ્યું, "ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, "એના જેવી એકપણ તરવાર અહીં નથી; એ જ મને આપ."

10તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.

11આખીશના ચાકરોએ તેને કહ્યું, "શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, 'શાઉલે પોતાના હજાર સહસ્ત્રોને અને દાઉદે પોતાના દસ સહસ્ત્રોને માર્યા છે?"'

12દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.

13તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.

14ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, "જુઓ, તે માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો?

15શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?"


  Share Facebook  |  Share Twitter

 <<  1 Samuel 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran