Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Samuel 16 >> 

1ઈશ્વરે શમુએલને કહ્યું કે, "ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજ્પદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથેલેહેમી પાસે મોકલુ છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે."

2શમુએલે કહ્યું, "મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે." ઈશ્વરે કહ્યું, "તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.'

3યિશાઈને યજ્ઞ કરવા બોલાવજે અને તારે શું કરવું તે હું તને બતાવીશ. હું જેનું નામ તને કહું તેનો મારે સારુ અભિષેક કરજે."

4ઈશ્વરનાં કહ્યા પ્રમાણે શમુએલ બેથલેહેમ ગયો. નગરના વડીલો જયારે તેને મળવા આવ્યા ત્યારે તેઓએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, "શું તું સલાહશાંતિપૂર્વક આવ્યો છે?"

5તેણે કહ્યું," હા સલાહશાંતિપૂર્વક; હું ઈશ્વરને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો." અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પવિત્ર કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.

6જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે.

7પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."

8પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, "ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી."

9પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, "ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી."

10એ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલ આગળ રજુ કર્યા. પરંતુ શમુએલે યિશાઈને કહ્યું, "ઈશ્વરે આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી."

11પછી શમુએલે યિશાઈને કહ્યું, "શું તારા સર્વ દીકરાઓ અહીં છે?" તેણે જવાબ આપ્યો, "હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે." શમુએલે યિશાઈને કહ્યું," માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ."

12યિશાઈએ માણસો મોકલ્યા અને તેઓ તેને તેડી લાવ્યા. તે રક્તવર્ણો હતો. તે દેખાવડો હતો. તેની આંખો સુંદર હતી. ઈશ્વરે કહ્યું, "ઊઠીને, તેનો અભિષેક કર; કેમ કે તે એ જ છે."

13પછી શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ રામામાં પરત ગયો.

14હવે ઈશ્વરનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.

15શાઉલના દાસોએ તેને કહ્યું, "જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે.

16અમારા સ્વામીએ પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે."

17શાઉલે પોતાના દાસોને કહ્યું, "મારા માટે એક સારા વિણાવાદકને શોધીને તેને મારી પાસે લાવો."

18પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, "મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે."

19તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, "તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ."

20તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.

21દાઉદ શાઉલ પાસે આવ્યો અને તેની સંમુખ ઊભો રહ્યો. શાઉલને તેના પર ઘણી પ્રીતિ ઊપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો.

22શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, "દાઉદને મારી હજૂરમાં ઉપસ્થિત રહેવા દે, કેમ કે મારી દૃષ્ટિમાં તે કૃપા પામ્યો છે."

23ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Samuel 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran