Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Samuel 15 >> 

1શમુએલે શાઉલને કહ્યું કે, "ઈશ્વર પોતાના લોક એટલે ઇઝરાયલ ઉપર રાજા થવા સારુ તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો. માટે હવે ઈશ્વરની વાણી સાંભળ.

2સૈન્યોના ઈશ્વર એમ કહે છે કે, 'અમાલેકે જયારે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.

3હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.'"

4શાઉલે લોકોને બોલાવીને ટલાઈમ નગરમાં તેઓની ગણતરી કરી: તો બે લાખ પાયદળ અને યહૂદિયાના દસ હજાર માણસો થયા હતા.

5શાઉલ અમાલેકના નગર પાસે જઈને ખીણમાં સંતાઈ રહ્યો.

6ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, "જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા." તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.

7ત્યારે શાઉલે હવીલાથી તે મિસરની પૂર્વ બાજુ શૂર સુધી હુમલો કરીને અમાલેકીઓનો સંહાર કર્યો.

8અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો; તેણે બધા જ લોકોનો તરવારની ધારથી સંપૂર્ણ નાશ કર્યો.

9પણ શાઉલે તથા લોકોએ અગાગનો તથા તેના ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરો, હલવાનોમાંથી ઉત્તમ તથા સર્વ સારી વસ્તુઓનો તેઓએ નાશ કર્યો નહિ. પ્રત્યેક નકામી અને ધિક્કારપાત્ર વસ્તુઓનો સંપૂર્ણ નાશ કર્યો.

10ત્યારે ઈશ્વરનું વચન શમુએલની પાસે એવું આવ્યું,

11"શાઉલને રાજા ઠરાવ્યો છે તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મારી પાછળ ચાલવાનું મૂકી દઈને તે પાછો ફરી ગયો છે અને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી." શમુએલને ગુસ્સો આવ્યો તેણે આખી રાત ઈશ્વરની આગળ રડીને વિનંતી કરી.

12સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, "શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે."

13શમુએલ શાઉલ પાસે આવ્યો. શાઉલે તેને કહ્યું, "ઈશ્વર તને આશીર્વાદ આપો! મેં ઈશ્વરની આજ્ઞા પૂરે પૂરી પાળી છે."

14શમુએલે કહ્યું, "ત્યારે ઘેટાંના જે અવાજ મારે કાને પડે છે તે શું છે? બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શું છે?"

15શાઉલે કહ્યું કે, "તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે. લોકોએ ઉત્તમ ઘેટાં અને બળદો, તમારા પ્રભુ ઈશ્વર આગળ યજ્ઞ કરવા રાખ્યાં છે, બાકીનાઓનો અમે સંપૂર્ણ નાશ કર્યો છે."

16ત્યારે શમુએલે શાઉલને કહ્યું, "ઊભો રહે, આજે રાત્રે ઈશ્વરે મને જે કહ્યું છે તે હું તને કહું, શાઉલે તેને કહ્યું, "કહે!"

17શમુએલે કહ્યું, "તું પોતાની દ્રષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? અને ઈશ્વરે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો;

18ઈશ્વરે તને તારા માર્ગે મોકલીને કહ્યું, 'જા, તે પાપી અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર, તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.'

19તો ઈશ્વરની વાણી તેં કેમ માની નહિ? તેં લૂંટ પર કબજો કર્યો અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે શા માટે કર્યું?"

20શાઉલે શમુએલને કહ્યું, "મેં ઈશ્વરની વાણી માની છે, જે માર્ગે ઈશ્વરે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. મેં અમાલેકના રાજા અગાગને પકડ્યો છે અને અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર્યો છે.

21પણ લોકોએ લૂંટમાંથી થોડો ભાગ લીધો જેમ કે નાશનિર્મિત વસ્તુઓમાંથી-ઉતમ ઘેટાં તથા બળદો પ્રભુ ઈશ્વરની આગળ ગિલ્ગાલમાં બલિદાન કરવા સારુ લીધાં છે."

22શમુએલે કહ્યું કે, "શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે.

23કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે."

24શાઉલે શમુએલને કહ્યું, "મેં પાપ કર્યું છે; કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તથા તારી વાતોનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.

25તો હવે, કૃપા કરી મારા પાપની ક્ષમા કર, મારી સાથે પાછો ચાલ, કે હું ઈશ્વરની સ્તુતિ કરું."

26શમુએલે શાઉલને કહ્યું કે, "હું પાછો ફરીને તારી સાથે નહિ આવું; કેમ કે તેં ઈશ્વરનો શબ્દ નકાર્યો છે. અને ઈશ્વરે તને ઇઝરાયલ ઉપર રાજા બનવાથી નકાર્યો છે."

27પછી શમુએલે જતા રહેવા માટે પીઠ ફેરવી, ત્યારે શાઉલે તેને ન જવા દેવા માટે તેના ઝભ્ભાની કોર પકડી અને તે ફાટી ગઈ.

28શમુએલે તેને કહ્યું કે, "ઈશ્વરે આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારો પડોશી, જે તારા કરતાં સારો છે તેને આપ્યું છે.

29અને વળી, જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ અને પોતાનો નિર્ણય બદલશે નહિ, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે."

30ત્યારે શાઉલે કહ્યું, "મેં પાપ કર્યું છે. પણ કૃપા કરી હાલ મારા લોકોના વડીલો આગળ અને ઇઝરાયલ આગળ મારું માન રાખ, ફરીથી મારી સાથે પાછો આવ જેથી મારા પ્રભુ ઈશ્વરની સ્તુતિ હું કરું."

31તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો અને શાઉલે ઈશ્વરની સ્તુતિ કરી.

32ત્યારે શમુએલે કહ્યું, "અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો." અગાગ તેની પાસે ખુશીથી આવ્યો અને તેણે કહ્યું, "નિશ્ચે મરણની વેદના વીતી ગઈ છે."

33શમુએલે કહ્યું, "જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે." ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.

34ત્યારબાદ શમુએલ રામામાં ગયો, શાઉલ પોતાને ઘરે ગિબયામાં ગયો.

35શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Samuel 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran