Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Samuel 13 >> 

1શાઉલે રાજ્ય કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો; અને તેણે બેતાળીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ્ય કર્યું.

2તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.

3યોનાથાને પલિસ્તીઓનું જે લશ્કર ગેબામાં હતું તેને નષ્ટ કર્યું અને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. ત્યારે શાઉલે આખા દેશમાં રણશિંગડું વગાડાવીને, કહાવ્યું, "હિબ્રૂઓ સાંભળો."

4શાઉલે પલિસ્તીઓનું લશ્કર સંહાર્યું છે તે સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું. પલિસ્તીઓ ઇઝરાયલને ધિક્કારપાત્ર ગણતા હતા, તેથી ઇઝરાયલી સૈનિકો શાઉલ પાછળ ગિલ્ગાલમાં એકત્ર થયા.

5પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયા; તેઓના ત્રીસ હજાર રથો, એ રથને ચલાવી શકે એવા છ હજાર ઘોડેસવારો તથા સમુદ્રની રેતી જેવી વિશાળ સંખ્યામાં લોકોએ બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી કરી.

6જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે - (કેમ કે લોકો દુઃખી હતા), ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.

7હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા. પણ શાઉલ હજી સુધી ગિલ્ગાલમાં હતો, સર્વ લોક ભયભીત થઈને તેની પાછળ ચાલતા હતા.

8શમુએલે આપેલા સમય પ્રમાણે શાઉલે સાત દિવસ રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, લોકો શાઉલ પાસેથી વિખેરાઈ જતા હતા.

9શાઉલે કહ્યું, "દહનીયાર્પણ તથા શાંત્યર્પણ મારી પાસે લાવો." પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.

10તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. શાઉલ તેને મળવા તથા આવકારવા માટે બહાર ગયો.

11પછી શમુએલે કહ્યું, "તેં શું કર્યું છે?" શાઉલે જવાબ આપ્યો, "જયારે મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે અને નક્કી કરેલ સમયે તું અહીં આવ્યો નહિ તથા પલિસ્તીઓ મિખ્માશ પાસે એકત્ર થયા છે,

12માટે મેં કહ્યું, 'હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.' તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે."

13પછી શમુએલે શાઉલને કહ્યું, "તેં આ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તેં તારા પ્રભુ ઈશ્વરે જે આજ્ઞા તને આપી હતી તે પાળી નથી. જો પાળી હોત તો હમણાં ઈશ્વરે ઇઝરાયલ ઉપર તારું રાજ્ય સદાને માટે સ્થાપન કર્યું હોત.

14પણ હવે તારું રાજ્ય સદા ટકશે નહિ. ઈશ્વરે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે અને ઈશ્વરે પોતાના લોકો પર રાજા તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે ઈશ્વરે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી."

15પછી શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયામાં ગયો. પછી શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓની ગણતરી કરી, તેઓ આશરે છસો માણસો હતા.

16શાઉલ, તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હાજર હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા. પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી.

17પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી. એક ટોળી ઓફ્રાથી શૂઆલ દેશ તરફ ગઈ.

18બીજી ટોળી બેથ-હોરોન તરફ ગઈ અને એક બીજી ટોળી સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ ગઈ.

19ઇઝરાયલના આખા દેશમાં કોઈ લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓએ કહ્યું હતું, "રખેને હિબ્રૂઓ પોતાને માટે તરવાર કે ભાલા બનાવે."

20પણ સર્વ ઇઝરાયલી માણસો પોતાતાં હળ, કોદાળીઓ, કુહાડીઓ તથા દાતરડાંની ધારો કાઢવા કે ટીપાવવા માટે પલિસ્તીઓ પાસે જતા.

21હળની અણી કાઢવાનો, કોદાળીઓ, કુહાડીઓ ટીપાવવાનો ખર્ચ બે ત્રણ શેકેલ હતો અને દાતરડાંની ધારને માટે અને હળ હાંકવાની લાકડીનો ખર્ચ એકાદ શેકેલ હતો.

22તેથી લડાઈના દિવસે, જે સર્વ લોકો શાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તરવારો કે ભાલા દેખાતા નહોતા; ફક્ત શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા.

23પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Samuel 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran