1સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
2આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
3શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહિલુદનો દીકરો યહોશાફાટ ઈતિહાસકાર હતો.
4યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
5નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.
6અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.
7સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
8આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
9માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોન-બેથમાં હાનાન,
10અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
11દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
12તાનાખ તથા મગિદ્દો, સારથાનની બાજુનું તથા યિઝ્એલની નીચેનું આખું બેથ-શાન, બેથ-શાનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહિલુદનો દીકરો બાના,
13રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
14માહનાઈમમાં ઈદ્દોનો દીકરો અહિનાદાબ હતો.
15અહીમાસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
16આશેર તથા બાલોથમાં હૂશાયનો દીકરો બાના,
17ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ,
18અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.
19અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
20યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.
21નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.
22સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
23દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
24કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારેબાજુ શાંતિ હતી.
25સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.
26સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા.
27દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
28તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.
29ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.
30પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.
31તે સર્વ માણસો કરતાં વિશેષ જ્ઞાની હતો. એથામ એઝાહી કરતાં, માહોલના દીકરાઓ હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ.
32તેણે ત્રણ હજાર નીતિવચનો કહ્યાં અને તેનાં રચેલાં ગીતોની સંખ્યા એક હજાર પાંચ હતી.
33તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
34જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.