Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Corinthians 4 >> 

1દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.

2વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.

3પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.

4કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.

5માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઈરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રસંશા ઈશ્વર તરફથી થશે.

6ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.

7કેમ કે કોણ તમને જુદા પાડે છે? અને તને પ્રાપ્ત થયું હોય નહિ એવું તારી પાસે શું છે? પણ જો તને પ્રાપ્ત થયું હોય, તો તને જેમ પ્રાપ્ત થયું ન હોય, તેમ તું અભિમાન કેમ કરે છે?

8તમે ક્યારનાયે સંતુષ્ઠ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઇ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.

9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લા મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લા થયા છીએ.

10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ.

11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ,

12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ;

13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી જગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.

14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકોને સમજીને શિક્ષણ આપું છું.

15જો કે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.

16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

17મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે.

18જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાના કેટલાક અભિમાની થઈ ગયા છે.

19પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.

20કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.

21તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમથી તથા નમ્રતાથી આવું?


  Share Facebook  |  Share Twitter

 <<  1 Corinthians 4 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran