Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Corinthians 16 >> 

1હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને મેં જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.

2હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મુકવો.

3જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરૂશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.

4જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.

5હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.

6હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.

7કેમ કે હમણાં જતાં તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની ઉત્કંઠા ધરાવું છું.

8પણ હું પચાસમાંના પર્વ સુધી એફેસેસમાં જ રહીશ;

9કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જો કે વિરોધીઓ પણ ઘણા છે.

10પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.

11એ માટે કોઇ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતીક્ષા હું કરું છું.

12હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકુળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

13જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.

14તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

15ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમ ફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,

16તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.

17સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.

18તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.

19આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.

20સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એક બીજાને ક્ષેમ કુશળ કહેજો.

21હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.

22જો કોઇ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ના હોય, તો તે શાપિત થાઓ.

23આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.

24ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Corinthians 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran