Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Corinthians 13 >> 

1જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ના હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું.

2જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશુ જ નથી.

3જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.

4પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઇ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી,

5પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી;

6અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;

7પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.

8પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વિસરી જશે.

9કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ;

10પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

11જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મે બાળકની વાતો મૂકી દીધી.

12કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ.

13હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Corinthians 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran