Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Joshua 23 >> 

1અને ઘણાં દિવસો પછી, યહોવાએ જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.

2યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, "હું ઘણો વૃદ્ધ થયો છું.

3આ સર્વ દેશજાતિઓ સાથે યહોવા, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવા, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.

4જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.

5યહોવા તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવા તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.

6તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.

7તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.

8પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવા, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.

9કેમ કે યહોવાએ તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી.

10તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવા, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.

11માટે તમારા યહોવા, પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો.

12કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો,

13તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવા પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવા, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.

14અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવા પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે.

15પણ જેમ તમારા યહોવા પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્ત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવા પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવા તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.

16તમારા યહોવા પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો."



 <<  Joshua 23 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran