Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 46 >> 

1બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે.

2તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, પણ તેઓ પોતે બંદીવાન થયા છે.

3હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે:

4તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.

5તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો?

6લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે.

7તેઓ મૂર્તિને પોતાના ખભા પર ઊંચકે છે; તેઓ તેને પોતાના સ્થાનમાં મૂકે છે અને તે ત્યાં જ ઊભી રહે છે અને ત્યાંથી ખસતી નથી. તેઓ તેની આગળ હાંક મારે છે પણ તે ઉત્તર આપી શકતી નથી કે કોઈને સંકટમાંથી બચાવી શકતી નથી.

8હે બળવાખોર લોકો, આ બાબતો પર વિચાર કરો; તેની અવગણના કરશો નહિ.

9પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી.

10હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, "મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ."

11હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ.

12હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો.

13હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉધ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉધ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.



 <<  Isaiah 46 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran