Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 3 >> 

1જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;

2શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ;

3સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે.

4"હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.

5લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.

6તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, 'તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.'

7ત્યારે તે મોટા અવાજથી કહેશે, 'હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.'"

8કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.

9તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.

10ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે.

11દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે.

12મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.

13યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;

14યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: "તમે દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.

15તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?" સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.

16યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.

17તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.

18તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર

19ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;

20મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.

21વીંટી, નથ;

22ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;

23આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.

24સુવાસને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.

25તારા પુરુષો તરવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.

26યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.



 <<  Isaiah 3 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran