Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Jeremiah 16 >> 

1યહોવાહનું વચન આ મુજબ મારી પાસે આવ્યું અને કહ્યું કે,

2"તું પરણીશ નહિ અને આ જગ્યાએ તને દીકરા કે દીકરીઓ થાય નહિ."

3કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે,

4"તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તરવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે."

5કેમ કે યહોવાહ કહે છે કે, શોકના ઘરમાં જઈશ નહિ. તેઓને લીધે રડારોળ કરવા જઈશ નહિ કે તેઓના માટે વિલાપ કરીશ નહિ કેમ કે મેં આ લોક પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે." એમ યહોવાહ કહે છે.

6" તેથી મોટા તથા નાના બન્ને આ દેશમાં મૃત્યુ પામશે. તેઓને દફનાવવામાં આવશે નહિ. તેઓને લીધે કોઈ શોક કરશે નહિ, કોઈ પોતાના શરીર પર ઘા કરશે નહિ અને કોઈ પોતાનું માથું મુંડાવશે નહિ.

7વળી લોકો મૂએલા સંબંધી સાંત્વન આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ.

8ખાવાપીવાને અર્થે જમણવારના ઘરમાં તું તેઓની સાથે બેસી જઈશ નહિ.

9કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જુઓ, હું અહીં તમારી નજર સમક્ષ તથા તમારી હયાતીમાં આનંદ તથા હાસ્યનો સાદ, તેમ જ વર-કન્યાનો સાદ બંધ પાડીશ.

10''જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, 'યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?'

11ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, 'તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો' 'અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.

12અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.

13આથી હું તમને આ દેશમાંથી કાઢીને તમને અને તમારા પિતૃઓને અજાણ્યા દેશમાં હાંકી કાઢીશ, ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરજો. હું તમારા પર દયા રાખીશ નહિ.

14માટે જુઓ! યહોવાહ કહે છે કે, હવે એવો સમય આવે છે કે" "જ્યારે ઇઝરાયલપુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર 'યહોવાહ જીવતા છે, એમ ક્યારેય કહેવાશે નહિ.'

15માટે જે ઇઝરાયલપુત્રોને ઉત્તરના દેશમાંથી તથા જે કોઈ દેશમાંથી તેઓને નસાડી મૂક્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાહ જીવતા છે એમ કહેવાશે. અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ.

16જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ" તેમ યહોવાહ કહે છે. "તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.

17કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારાથી છુપાયેલા નથી. અને તેઓનો અન્યાય મારાથી ગુપ્ત નથી.

18પ્રથમ હું તેઓની પાસે તેઓનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઈશ, કેમ કે તેઓએ મારા દેશની ભૂમિને ધિક્કારપાત્ર મૃતદેહોથી અભડાવી છે.

19હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.

20માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?

21માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે



 <<  Jeremiah 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran