Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 10 >> 

1મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મો સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

2તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો;

3અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જના થઈ.

4જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં આકાશથી એક વાણી એવું કહેતી સાંભળી કે 'સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.'

5પછી મેં જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશની ભણી ઊંચો કર્યો,

6અને જેઓ સદા સર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઇ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, 'હવે વિલંબ થશે નહિ;

7પણ સાતમાં દૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડુ વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રભોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.'

8આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે 'તું જા. અને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.'

9મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે 'એ નાનું ઓળિયું મને આપ.' અને તેણે મને કહ્યું કે 'તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.'

10ત્યારે દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.

11પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણા લોકો, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.'



 <<  Revelation 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran