1ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે "જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે" તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું; અને તેમણે પોતાનો દૂત મોકલીને તે ધ્વારા પોતાના દાસ યોહાનને બતાવ્યું.
2યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની સાબિતી આપી.
3"ભવિષ્યમાં બનવાની બિનાઓ" જે વાંચે છે, જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.
4જે સાત મંડળી (વિશ્વાસી સમુદાય) આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાથી, તથા તેમના રાજ્યાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી,
5તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને પૃથ્વીના રાજાઓના અધિકારી છે તેમનાથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;
6અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હો; આમીન.
7જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
8પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'
9હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં સહભાગી, ઈશ્વરના સંદેશને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.
10પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,
11'તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દીસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓના પર મોકલ.'
12જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.
13તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો;
14તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવાં, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી;
15તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણા પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો;
16તેમના જમણા હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો;
17જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો; ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, 'બીશ નહિ. પ્રથમ તથા છેલ્લો હું છું;
18અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.
19તેં જે જોયું છે અને જે જે છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ:
20મારા જમણા હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.
<< Revelation 1 >>