Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 86 >> 

1હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.

2મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.

3હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.

4તમારા સેવકને આનંદ આપો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.

5હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.

6હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ સાંભળો.

7મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.

8હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.

9હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.

10કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.

11હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.

12હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.

13કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.

14હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.

15પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.

16મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.

17તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.



 <<  Psalms 86 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran