Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 145 >> 

1હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.

2હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.

3યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.

4પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.

5હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.

6લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.

7તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.

8યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.

9યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.

10હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.

11તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.

12સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.

13તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.

14સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.

15સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.

16તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.

17યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.

18જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.

19જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.

20તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.

21મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.



 <<  Psalms 145 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran