Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hosea 7 >> 

1જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમનાં પાપ, સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને, શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે.

2તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે, તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે; તેઓ મારી નજર આગળ જ છે.

3તેઓની પોતાની દુષ્ટતાથી રાજાને, પોતાનાં જૂઠાણાંથી સરદારોને રાજી કરે છે.

4તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે, લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને બંધ કરે છે.

5અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે. તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે.

6કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને, તેઓ કપટભરી યોજના ઘડે છે. તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે.

7તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે, તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે. તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે; તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી.

8એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે.

9પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, પણ તે તે જાણતો નથી. તેના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી.

10ઇઝરાયલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; તેમ છતાં, તેઓ યહોવાહ પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી, આ બધું છતાં, તેઓએ તેમને શોધ્યા પણ નથી.

11એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશૂરની તરફ જાય છે.

12જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે હું તેઓને સજા કરીશ.

13તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાઓ! તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે.

14તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે.

15મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે.

16તેઓ પાછા આવે છે, પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે તલવારથી નાશ પામશે. આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે.



 <<  Hosea 7 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran