Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Proverbs 7 >> 

1મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.

2મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.

3તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.

4ડહાપણને કહે કે "તું મારી બહેન છે," અને બુદ્ધિને કહે, "તું મારી ઘનિષ્ઠ મિત્ર છે."

5જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.

6કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;

7અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.

8એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો.

9દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.

10અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.

11તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;

12કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.

13તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,

14શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.

15તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.

16મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.

17મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.

18ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.

19મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.

20તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે."

21તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.

22જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.

23આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.

24હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.

25તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.

26કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.

27તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.



 <<  Proverbs 7 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran