Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Proverbs 17 >> 

1જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે.

2ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.

3ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.

4જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે.

5જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

6સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.

7ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે.

8જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન મણિ જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.

9દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.

10મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.

11દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.

12જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.

13જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.

14કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.

15જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

16જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?

17મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.

18અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

19કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.

20કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.

21મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી.

22આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.

23દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.

24બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

25મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.

26વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.

27થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.

28મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.



 <<  Proverbs 17 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran