Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Thessalonians 5 >> 

1પણ, ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાની કોઈ જરૂર નથી.

2કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.

3કેમ કે જયારે તેઓ કહેશે કે, 'શાંતિ તથા સલામતી છે', ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.

4પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.

5તમે સઘળાં અજવાળાના અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.

6એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.

7કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

8પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉધ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.

9કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉધ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;

10ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.

11માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.

12પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;

13અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.

14વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.

15સાવધ રહો કે, કોઈ દુષ્ટતાના બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.

16સદા આનંદ કરો;

17નિરંતર પ્રાર્થના કરો;

18દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

19આત્માને હોલવશો નહિ,

20પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.

21સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.

22દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

23શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.

24જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વાસનીય છે અને તે એમ કરશે.

25ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.

26પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.

27હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.

28આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.



 <<  1 Thessalonians 5 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran