Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Joshua 17 >> 

1મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના માટે જમીનની સોંપણી આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.

2મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબ પ્રમાણે ભાગ આપવામાં આવ્યો. એટલે અબીએઝેરના, હેલેકના, આસ્રીએલના, શેખેમના, હેરેફના અને શમીદાના પુત્રોને યૂસફનાં દીકરા મનાશ્શાના એ પુરુષ વંશજો હતા. તેઓને કુટુંબો પ્રમાણે હિસ્સો આપવામાં આવ્યો હતો.

3હવે મનાશ્શા દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફ્હાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.

4તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, "યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી કે, "અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે." તેથી, યહોવાની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો.

5મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.

6કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો.

7મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ તાપ્પૂઆના ઝરા સુધી ગઈ.

8તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઈમના કુળનું હતું.

9તે સીમા ઊતરીને કાનાના નાળા સુધી એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઈમનાં આ નગરો મનાશ્શાના નગરો મધ્યે આવેલા છે. મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી અને તેનો છેડો સમુદ્ર પાસે હતો.

10દક્ષિણ ભાગ એફ્રાઈમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, જેની સરહદ સમુદ્ર પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઈસ્સાખારનો ભાગ હતો.

11ઈસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

12પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરના મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા.

13જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.

14પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, "યહોવાની આશિષના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?"

15યહોશુઆએ તેઓને કહ્યું, "જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.

16યૂસફના વંશજોએ કહ્યું, "પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે."

17ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઈમને તથા મનાશ્શાને કહ્યું, "તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.

18પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ."


  Share Facebook  |  Share Twitter

 <<  Joshua 17 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran