Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  John 14 >> 

1'તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.

2મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યા છે, નાં હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.

3હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઇ જઇશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

4હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.'

5થોમા તેમને કહે છે કે, 'પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?'

6ઈસુ તેને કહે છે કે, 'માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.

7તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

8ફિલિપ તેમને કહે છે કે, 'પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પુરતું છે.

9ઈસુ તેને કહે છે કે, 'ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી?

10જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, 'અમને પિતા દેખાડો?

11હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.'

12હું તમને સાચે જ કહું છું કે, 'હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.

13જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.

14જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.

15જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.

16અને હું પિતાને વિનંતી કરીશ અને તે તમને પવિત્ર આત્મા તમારી પાસે સદા રહેવા માટે આપશે,

17એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમકે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

18હું તમને અનાથ દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.

19થોડી વાર પછી જગત મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો.

20તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.

21જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.'

22યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, 'પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને જગતની સમક્ષ નહિ, એનું શું કારણ છે?'

23ઈસુએ જવાબ આપ્યો કે, 'જો કોઇ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.

24જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેના છે.

25હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે.

26પણ સંબોધક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.

27હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહી.

28મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'હું જાઉં છું, તમારી પાસે [પાછો] આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમકે મારા કરતાં પિતા મહાન છે.

29હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.

30હવેથી તમારી સાથે હું ઘણી વાતો નહિ કરવાનો નથી, કેમકે આ જગતનો અધિકારી (શેતાન) આવે છે, અને તેને મારા પર કોઈ અધિકાર નથી;

31પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું [એ માટે આ થાય છે], ઊભા થાઓ, અહીંથી આપણે જઈએ.'


  Share Facebook  |  Share Twitter

 <<  John 14 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran