Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Isaiah 42 >> 

1જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.

2તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.

3છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે.

4તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; અને ટાપુઓ તેના નિયમની વાત જોશે.

5આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.

6"મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,

7જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે.

8હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

9જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું."

10યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ.

11અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.

12તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.

13યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.

14હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ.

15હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ.

16જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ.

17જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, "તમે અમારા દેવ છો," તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે.

18હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ.

19મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે?

20તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.

21યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા.

22પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને "તેઓને પાછા લાવો" એવું કહેનાર કોઈ નથી.

23તમારામાંનો કોણ આને કાન દેશે? ભવિષ્યમાં કોણ ધ્યાન દઈને સાંભળશે?

24કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.

25માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. તેમણે તેને ચારેતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 42 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran