Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Jeremiah 39 >> 

1યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનામાં નબૂખાદનેસ્સાર તથા તેના સર્વ સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને ઘેરો ઘાલ્યો.

2સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું.

3બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગોલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.

4જયારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા લડવૈયાઓએ તેને જોયો, ત્યારે તેઓ નાસી ગયા અને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને અરાબા તરફ આગળ વધ્યા.

5પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઈ ગયા અને તેણે તેનો ઇનસાફ કર્યો.

6પછી બાબિલના રાજાએ રીબ્લામાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા.

7ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

8ખાલદીઓએ રાજમહેલને અને લોકોનાં ઘરોને બાળી મૂક્યાં અને યરુશાલેમની દીવાલ તોડી નાખી.

9બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યા હતા તેઓને રક્ષકટુકડીનો નાયક નબૂઝારઅદાન બંદીવાન કરીને બાબિલમાં લઈ ગયો.

10જે ગરીબ લોકોની પાસે કશું જ નહોતું, તેઓમાંના કેટલાકને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને યહૂદિયા દેશમાં રહેવા દીધા, તેઓને દ્રાક્ષવાડીઓ અને ખેતરો આપ્યાં.

11હવે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાનને યર્મિયા વિષે આજ્ઞા આપી કહ્યું કે,

12તેને લઈ જા અને તેની સંભાળ રાખ. તેને ઈજા ન કર. તે તને જે કંઈ કરવા કહે તે પ્રમાણે તું કરજે."

13તેથી રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન તથા નબૂશાઝબાન. રાબ-સારીસ, નેર્ગાલ-શારસેર, રાબ-માગ અને બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોઓએ માણસો મોકલ્યા.

14તેઓએ યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢ્યો. અને તેને ઘરે લઈ જવા સારુ શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સ્વાધીન કર્યો, આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.

15જયારે યર્મિયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે યહોવાહનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું કે,

16તું જઈને હબસી એબેદ-મેલેખને કહે કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; મેં કહ્યા પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું તેનાં શહેર પર આફત ઉતારનાર છું.

17પણ યહોવાહ કહે છે તે દિવસે હું તને ઉગારી લઈશ. અને તું જેમનાંથી ડરે છે તે માણસોના હાથમાં તને સોંપવામાં આવશે નહિ.

18કેમ કે હું તને નિશ્ચે બચાવીશ, તું તરવારથી મરશે નહિ, તારો જીવ તારી પોતાની લૂંટ થશે, કેમ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે." એમ યહોવાહ કહે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Jeremiah 39 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran