Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Jeremiah 29 >> 

1ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલમાં લઈ ગયો યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઈ ગયો હતો.

2યકોન્યા રાજા, રાજમાતા, ખોજાઓ યહૂદિયા અને યરુશાલેમના સરદારો, કુશળ કારીગરો તથા લુહારો બાબિલમાંથી ગયા પછી,

3તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો દીકરો ગમાર્યા તે બન્નેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે;

4જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને "સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે;

5'તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ,

6તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ.

7તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમને દેશનિકાલ કર્યા છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.'

8હું ઇઝરાયલનો ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમને કહું છું કે, 'તમારા પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ.

9કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી' એમ યહોવાહ કહે છે.

10કેમ કે યહોવાહ કહે છે કે; બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ. તમને આ સ્થળે લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.

11કેમ કે તમારા માટે મારા જે ઈરાદાઓ હું રાખું છું તે હું જાણું છું' એમ યહોવાહ કહે છે. તે ઈરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે 'વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.

12ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.

13તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.

14યહોવાહ કહે છે, હું તમને મળીશ' અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે' 'ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.' એમ યહોવાહ કહે છે.

15પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે,

16જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે___

17સૈન્યોના યહોવાહ કહે છે કે; 'જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.

18અને હું તરવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.

19આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ' એમ યહોવાહ કહે છે. 'પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.' એમ યહોવાહ કહે છે.

20માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો;

21સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.

22અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, 'તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,' એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.'

23કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂરખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું." એમ યહોવાહ કહે છે.

24શમાયા નેહેલામીને તું કહેજે કે;

25સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તેં તારે પોતાને નામે યરુશાલેમના સર્વ લોકો ઉપર માસેયાના દીકરા સફાન્યા યાજક અને બધા યાજકો પર પત્ર લખી કહેડાવ્યું કે,

26"યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.

27તો પછી અનાથોથનો યમિર્યા જે તમારી આગળ પોતાને પ્રબોધક મનાવે છે તેને ઠપકો કેમ નથી આપતા?

28કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, 'અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ."'

29સફાન્યા યાજકે આ પત્ર યમિર્યા પ્રબોધકને વાંચી સંભળાવ્યો.

30ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;

31"સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,

32માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.' 'કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે."'


  Share Facebook  |  Share Twitter

 <<  Jeremiah 29 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran