Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ezekiel 8 >> 

1છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.

2મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.

3તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.

4ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.

5ત્યારે તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો." તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ.

6તેથી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.

7પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું.

8તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ." તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું!

9ત્યારે તેમણે મને કહ્યું, "જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો."

10તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.

11ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.

12પછી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, 'યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.'"

13અને તેમણે મને કહ્યું, "તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે."

14ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ (અક્કાદી પ્રજાનો દેવ) માટે રડતી બેઠેલી હતી.

15તેથી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે."

16પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.

17તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.

18તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ."


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 8 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran