Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  James 3 >> 

1મારા ભાઈઓ, તમારામાંના ઘણા જણ ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.

2કેમ કે આપણે સર્વ બાબતમાં ભૂલ કરીએ છીએ; જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.

3જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.

4વહાણો પણ કેટલાં બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.

5તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!

6જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમા જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે ભૂમંડળને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.

7કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;

8પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે [બધે] ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

9તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.

10એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.

11શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?

12મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.

13તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,

14પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઇ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.

15એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ ઐહિક જાતીય તથા શેતાની છે.

16કેમ કે જ્યાં અદેખાઇ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.

17પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.

18વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  James 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran