Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 7 >> 

1એ પછી, મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.

2મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર દૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે,

3'જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.'

4અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુમ્માળીસ હજાર મુદ્રિત થયા;

5યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;

6આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર;

7શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;

8ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.

9ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, લોકો તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;

10અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, 'અમારા જે ઈશ્વર રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને ઉધ્ધારને માટે પ્રશંસા હોજો.'

11સઘળા દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું કે,

12'આમીન, આભાર, મહિમા, જ્ઞાન, ઉપકારસ્તુતિ, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.'

13પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, 'જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?'

14તેમને મેં કહ્યું કે, 'ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.' અને તેમણે મને કહ્યું, 'જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.

15માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.

16તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈપણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;

17કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.'


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 7 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran