Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Deuteronomy 12 >> 

1તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે.

2જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.

3તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો.

4તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી.

5પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું.

6ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાપર્ણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પર્ણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.

7ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.

8આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ;

9કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.

10તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો.

11ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાપર્ણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાપર્ણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

12તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

13સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાપર્ણ ચઢાવવાં નહિ;

14પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાપર્ણો ચઢાવવાં.

15તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો.

16પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.

17તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પર્ણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી.

18પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.

19પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.

20જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.

21તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં.

22હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.

23પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ.

24તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.

25તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.

26તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં.

27અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.

28જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.

29જે દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જયારે યહોવાહ તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો,

30ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે "આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.''

31યહોવાહ તમારા ઈશ્વર વિષે એવું કરશો નહિ; કેમ કે જે સર્વ અમંગળ કાર્યો યહોવાહની દૃષ્ટિએ ધિક્કારજનક છે. તે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે. કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓ તેઓનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.

32મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Deuteronomy 12 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran