Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 5 >> 

1આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલા છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;

2આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.

3માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ,

4ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;

5આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

6કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.

7ન્યાયી મનુષ્યને માટે જ્વલ્લે જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.

8પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.

9તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી નિર્દોષ ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

10કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણો મેળાપ થયો. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

11અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમના દ્વારા હમણાં આપણો મેળાપ થયો છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.

12તે માટે જેમ એક મનુષ્યથી જગતમાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.

13કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ જગતમાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.

14પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિન્હરૂપ હતો.

15પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.

16એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એક ના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.

17કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!

18માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.

19કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણા નિર્દોષ ઠરશે.

20વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ.

21તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ્ય કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 5 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran