Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 3 >> 

1તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?

2સર્વ પ્રકારે ઘણા લાભ છે. પ્રથમ તો એ કે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.

3અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?

4ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'

5પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.

6ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર જગતનો ન્યાય કેવી રીતે કરે?

7પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?

8અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, 'તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?' તેઓને કરાયેલી શિક્ષા યોગ્ય છે.

9તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.

10જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

11સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;

12તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:

13તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!

14તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;

15તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;

16તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;

17શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી:

18તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.'

19હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.

20કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.

21પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;

22એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી;

23કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;

24પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.

25ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી (લોકો માટે) પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;

26એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

27તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.

28માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.

29નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;

30કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસ દ્વારા નિર્દોષ ઠરાવશે.

31ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran