Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 15 >> 

1હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.

2આપણામાંના દરેકે પોતાના પાડોશીને તેના કલ્યાણને માટે [તેની] ઉન્નતિને અર્થે ખુશ કરવો.

3કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, 'તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.'

4કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.

5તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો.

6એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ, એવું વરદાન ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને આપો.

7માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.

8વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે,

9અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ.

10વળી તે કહે છે કે, ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો.

11વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોક તેમનું સ્તવન કરો.

12વળી યશાયા કહે છે કે, યશાઈની જડ, એટલે બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને જે ઊભા થવાના છે, તે થશે; તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.

13હવે ઈશ્વર કે, જેમના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિ વડે ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માની શક્તિથી તમારી આશા વૃધ્ધિ પામે.

14ઓ મારા ભાઈઓ, મને તમારા વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.

15તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં,

16એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.

17તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે.

18કેમ કે પવિત્ર આત્માના પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચિહ્નનો તથા અદભૂત કૃત્યોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ;

19એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ;

20એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે, જ્યાં ખ્રિસ્તનું નામ [જાણવામાં આવ્યું] હતું ત્યાં [બોધ કરવો] નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું;

21લખેલું છે કે: 'જેઓને તેમના સબંધીના જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.'

22તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે.

23પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી અને ઘણાં વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું;

24માટે જયારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ;] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ.)

25પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.

26કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું.

27તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના ઋણીઓ છે. કેમ કે જો બિનયહૂદીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.

28તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.

29હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ.

30હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,

31હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના [હુમલા] થી બચી જાઉં અને યરુશાલેમ જઈને સંતોને સારુ જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે;

32અને ઈશ્વરની ઇચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.

33હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે હો. આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 15 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran