Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 10 >> 

1ભાઈઓ, [ઇઝરાયલ] ને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉધ્ધાર પામે.

2કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી.

3કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.

4કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમની સંપૂર્ણતા છે.

5કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, 'જે માણસ નિયમ પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના ધ્વારા જીવશે.'

6પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, 'તું તારા અંતઃકરણમાં ન કહે કે, 'આકાશમાં કોણ ચઢશે?' (એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;)

7અથવા એ કે, 'ઊંડાણમાં કોણ ઊતરશે?" (એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને.)

8પણ તે શું કહે છે? કે, 'એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંત:કરણમાં છે,' એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે

9જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉધ્ધાર પામીશ.

10કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉધ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.

11કેમ કે ધર્મશાત્ર કહે છે કે, 'ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.'

12અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે.

13કેમ કે 'જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે ઉધ્ધાર પામશે.'

14પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?

15વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? 'જેમ લખ્યું છે કે, શુભ સમાચાર સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!'

16પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, 'હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?'

17આમ, [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે] તથા ખ્રિસ્તના વચન ધ્વારા [સંદેશો] સંભળાવવામાં આવે છે,

18પણ હું પૂછું છું કે, 'શું તેઓએ નથી સાંભળ્યું?' 'હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.'

19વળી હું પૂછું છું કે, 'શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?' પ્રથમ મૂસા કહે છે કે, 'જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.

20વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, 'જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતા ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.'

21પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, 'આખો દિવસ ન માનનારા તથા વિરુધ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.'


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 10 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran