Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 1 >> 

1પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે:

2જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું;

3તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ મનુષ્ય દેહે તો દાઉદના વંશમાં જન્મ્યા હતા,

4પણ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા મૃત્યુમાંથી સજીવન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ઠર્યા છે.

5સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;

6અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડવામાં આવ્યા છે.

7ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

8પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.

9કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરુ છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારુ સ્મરણ કરું છું

10અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઇપણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.

11કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાંક આત્મિક દાન પમાડું;

12એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.

13હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.

14ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.

15તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.

16સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારના ઉદ્ધારને માટે ઈશ્વરનું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.

17કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, 'ન્યાયી વિશ્વાસથી જીવશે.'

18કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને રોકી રાખે છે તેઓની સર્વ વર્તણૂક અને દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.

19કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.

20તેમના વિષેના અદ્રશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરીય સ્વભાવ જગતની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું બતાવી શકે તેમ નથી.

21કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.

22પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;

23તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગાં પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.

24તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તાજી દીધા કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.

25કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર (જે સદાકાળ ધન્ય છે, આમીન) ને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી.

26તેથી ઈશ્વરે તેઓને શરમજનક વિષયો માટે તજી દીધા, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.

27અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરૂષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.

28અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધા.

29તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઈરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,

30નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,

31બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.

32'આવા કામ કરનારાઓ મરણને યોગ્ય છે', ઈશ્વરના એવા ન્યાયચુકાદાને જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran