Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ecclesiastes 3 >> 

1પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે.

2જન્મ લેવાનો સમય અને મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;

3મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.

4રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.

5પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.

6શોધવાનો સમય અને ગુમાવવાનો સમય, રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;

7ફાડવાનો સમય અને સીવવાનો સમય, શાંત રહેવાનો સમય અને બોલવાનો સમય.

8પ્રેમ કરવાનો સમય અને ધિક્કારવાનો સમય યુદ્ધનો સમય અને સલાહ શાંતિનો સમય.

9જે વિષે તે સખત પરિશ્રમ કરે છે તેથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે?

10જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.

11યહોવાહે પ્રત્યેક વસ્તુને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

12હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવો અને ભલું કરવું તે કરતાં તેના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.

13વળી તેણે ખાવું, પીવું અને પોતાની સર્વ મહેનતથી સંતોષ અનુભવવો. આ તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

14હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સર્વ સદાને માટે રહેશે. તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, અને મનુષ્યો તેનો ડર રાખે તે હેતુથી ઈશ્વરે તે કર્યું છે.

15જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે. અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે.

16વળી મેં પૃથ્વી પર જોયું કે સદાચારની જગાએ દુષ્ટતા અને નેકીની જગ્યાએ અનિષ્ટ છે.

17મેં મારી જાતને કહ્યું કે, "યહોવાહ ન્યાયી અને દુષ્ટનો ન્યાય કરશે કેમ કે પ્રત્યેક પ્રયોજનને માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે."

18પછી મેં મારા મનમાં વિચાર્યું કે, "ઈશ્વર મનુષ્યની કસોટી કરે છે. તેથી તેઓ સમજે કે તેઓ પશુ સમાન છે."

19કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે. તેઓની એક જ સ્થિતિ થાય છે. જેમ એક મરે છે. તેમ બીજું પણ મરે છે. તે સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય પશુઓ કરતાં જરાય શ્રેષ્ઠ નથી. શું તે સઘળું વ્યર્થ નથી?

20એક જ જગાએ સર્વ જાય છે સર્વ ધૂળના છીએ અને અંતે સર્વ ધૂળમાં જ મળી જાય છે.

21મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે તેની ખબર કોને છે?

22તેથી મેં જોયું કે, માણસે પોતાના કામમાં મગ્ન રહેવું તેથી વધારે સારું બીજું કશું નથી. કેમ કે એ જ તેનો હિસ્સો છે. ભવિષ્યમાં શું બનવાનું છે તેે તેને કોણ દેખાડશે?


  Share Facebook  |  Share Twitter

 <<  Ecclesiastes 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran