Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ecclesiastes 1 >> 

1યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.

2સભાશિક્ષક કહે છે કે. "વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.

3જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?

4એક પેઢી જાય છે અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે.

5સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.

6પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.

7સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

8બધી જ વસ્તુઓ કંટાળાજનક છે તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.

9જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.

10શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે "જુઓ, તે નવું છે'? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.

11ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.

12હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.

13પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

14પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.

15જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!

16મેં સ્વયં પોતાને કહ્યું કે, "જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે."

17પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.

18કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Ecclesiastes 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran