Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 8 >> 

1પહાડ પરથી ઈસુ ઊતર્યા, ત્યાર પછી અતિ ઘણા લોક તેમની પાછળ ગયા.

2અને જુઓ, એક કુષ્ટ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.'

3ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તે પોતાના રોગથી શુદ્ધ થયો.

4પછી ઈસુ તેને કહે છે કે, 'જો જે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને દેખાડ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.'

5ઈસુ કપર-નાહૂમમાં આવ્યા, પછી એક જમાદારે તેમની પાસે આવીને ઈસુને વિનંતી કરી કે,

6'ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.'

7ત્યારે ઈસુ તેને કહે છે કે, 'હું આવીને તેને સાજો કરીશ.'

8જમાદારે ઉત્તર આપતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે.

9કેમ કે હું પણ પરાધીન માણસ છું, સિપાઈઓ મારે સ્વાધીન છે; એકને હું કહું છું કે, જા, ને તે જાય છે; બીજાને [કહું છું કે,] આવ, ને તે આવે છે; અને મારા દાસને [કહું છું કે,] એ કર, ને તે તે કરે છે.'

10ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.

11હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે;

12પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.'

13ઈસુએ તે જમાદારને કહ્યું કે, 'જા, જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ. તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.'

14ઈસુ પિતરના ઘરમાં આવ્યા. ત્યાં તેમણે તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ.

15ઈસુ તેના હાથને સ્પર્શ્યા; એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.

16સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, અને સઘળાં માંદાંઓને સાજાં કર્યાં.

17એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 'તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.'

18ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે પેલે પાર જવાની આજ્ઞા કરી.

19એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, 'ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.'

20ત્યારે ઈસુ તેને કહે છે કે, 'લોંકડાંને દર હોય છે, આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનું સ્થાન નથી.'

21તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, મને રજા આપો કે હું જઈને પ્રથમ મારા પિતાને દફનાવીને આવું.'

22પણ ઈસુએ તેને કહ્યું કે, 'તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.'

23ઈસુ હોડી પર ચઢ્યા ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા.

24જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા.

25ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.'

26પછી ઈસુ તેઓને કહે છે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?' પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા; અને મહા શાંતિ થઈ.

27ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'એ ક્યા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે?'

28જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.

29જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?

30હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું.

31ભૂતોએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળામાં અમને મોકલો.'

32ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠા; અને જુઓ, આખું ટોળું ટેકરા પરથી સમુદ્રમાં ઘસી પડ્યું, અને પાણીમાં ડૂબી મર્યું.

33ત્યારે ચરાવનારા દોડ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે અશુદ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.

34ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું; તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, 'અમારા વિસ્તારોમાંથી ચાલ્યા જાઓ.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 8 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran