Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 6 >> 

1માણસો તમને જુએ તેવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાનાં તમારા પિતાથી તમને ફળ મળવાનું નથી.

2માટે જયારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

3પણ તું જયારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે;

4એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તારો પિતા તને બદલો આપશે.

5જયારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ; કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

6પણ જયારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં જા, તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાને પ્રાર્થના કર, ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.

7તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.

8એ માટે તમે તેઓના જેવા ન થાઓ; કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.

9માટે તમે આ રીતે પ્રાર્થના કરો: "ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ;

10તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

11દિવસની અમારી રોટલી આજ અમને આપો;

12જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો;

13અમને પરીક્ષણમાં ન પડવા દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. [[ કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન]]"

14કેમ કે જો તમે માણસોના અપરાધ તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.

15પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરે.

16વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળા ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં પડી ગયેલા બનાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

17પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ અને તારો ચહેરો ધો;

18એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.

19પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.

20પણ તમે પોતાને સારુ આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતાં અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.

21કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

22શરીરનો દીવો તે આંખ છે; એ માટે જો તારી આંખ ચોખ્ખી હોય, તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.

23પણ જો તારી આંખ ખરાબ હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે; માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!

24કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ; કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષમાં રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે; તમે એકસાથે ઈશ્વરની અને દ્રવ્યની સેવા ન કરી શકો.

25એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?

26આકાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?

27ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?

28વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી;

29તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સર્વ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

30એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?

31માટે અમે શું ખાઈશું, શું પીશું અથવા શું પહેરીશું એમ કહેતાં ચિંતા ન કરો.

32કારણ કે એ સઘળાં વાનાં બિનવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાંની તમને જરૂર છે.

33પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.

34તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા[ની વાતો]ની ચિંતા કરશે; દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 6 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran