Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 3 >> 

1તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રગટ થયો, તે યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ કરતાં એમ કહેતો હતો કે,

2'પસ્તાવો કરો; કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.

3કારણ કે જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો' તે એ જ છે.'

4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.

5ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા;

6તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

7પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઇને યોહાને તેઓને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?

8પસ્તાવો [કરનારાને] શોભે તેવાં ફળ આપો;

9તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

10વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે; માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.

11માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.

12તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.'

13ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા.

14પણ યોહાને તેમને અટકાવતા કહ્યું કે, 'તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?'

15પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઘટિત છે.' ત્યારે ઈસુએ યોહાનને બાપ્તિસ્મા આપવા દીધું.

16જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા; અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતરની પેઠે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.

17અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું."


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran