Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Leviticus 2 >> 

1જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર લોબાન મૂકે.

2તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને બધું લોબાન લે. પછી યાજક યાદગીરીને માટે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.

3ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહના હોમયજ્ઞોમાં સૌથી પરમપવિત્ર વસ્તુ ઈશ્વરને માટે છે.

4જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર પૂરીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.

5જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય.

6તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે.

7જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું.

8આ રીતે શેકેલું, તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાહની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પાસે લાવે.

9પછી યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

10ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહને અર્પિત કરેલું યહોવાહના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

11જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય, કેમ કે તમારે યહોવાહના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.

12પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.

13તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું.

14જો તમે યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવો, તો તમારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તમારે ચઢાવવો.

15તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. એ ખાદ્યાર્પણ છે.

16પછી યાજક પ્રતીકરૂપે તે પોંકમાંથી થોડો પોંક, તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને યહોવાહને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં દહન કરે. તે યહોવાહને માટે હોમયજ્ઞ છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Leviticus 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran