Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 3 >> 

1એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.

2જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર પ્રત્યે વિશ્વાસુ હતા.

3કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માન યોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.

4કેમ કે દરેક ઘર કોઇએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.

5મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.

6પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.

7એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,

8તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો,

9ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.

10એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, ‘તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યા નહિ.

11માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’”

12હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.

13પણ જ્યાં સુધી 'આજ' કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઇનું હૃદય કઠણ થાય નહિ.

14કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.

15કેમ કે એમ કહ્યું છે કે, 'આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

16કેમકે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ?

17વળી ચાળીસ વરસ સુધી તે કોના પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓ અરણ્યમાં મૃત્યુ પામ્યા તેઓ પર નહિ?

18જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, 'તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?'

19આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહી.


  Share Facebook  |  Share Twitter

 <<  Hebrews 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran